અમદાવાદ પછી આ શહેરોમાં પણ ૩જી મે સુધી દુકાનો નહિ ખુલે

gujarat

અમદાવાદ પછી રાજ્યના બીજા ત્રણ મહાનગરો વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનરો અને જીલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યો છે. ત્યારબાદ વર્તમાન કોરોના વાયરસના વધતા કેસના સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ત્રણેય મહાનગરોમાં તા.૩ જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહીં અને બંધ રાખવામાં આવશે. માત્ર આવશ્યક સેવા માં આવતી હોય તેવી દુકાનો ચાલુ રહેશે.

રાજ્ય સરકાર દ્વારા એક તરફ ગુજરાતમાં જ્યાં ઓછા કે નહીવત કેસ છે ત્યાં દુકાનો શરૂ કરવાની મંજૂરી આપી છે ત્યારે રાજ્યના ચાર શહેરો કે જ્યાં કોરોનાના વધુ કેસ જોવા મળી રહ્યા છે ત્યાં આ પ્રકારની છૂટ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે. રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે તેમાં પણ મોલ, માર્કેટ કોમ્પ્લેક્ષ, હેર કટીંગ સલૂન, બ્યૂટીપાલર્ર, પાન-ગુટકા-બીડી-સીગરેટનું વેચાણ કરતી દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહીં. ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવા, ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *